Shiva Bavani in Gujarati:
॥ શિવ બાવની ॥
શિવ મહિમાનો ના’વે પાર, અબુધ જનની થાયે હાર, |
સૂર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાંય વાણી અટકી જાય || 1 ||
જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન |
હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર || 2 ||
કોઈ ના પામે તારો ભેદ, વર્ણન કરતા થાકે વેદ |
બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય || 3 ||
મંદ મતિ હું તારો બાળ, પીરસવા ચાહું રસથાળ |
બ્રહ્મા વિષ્ણુ, શિવ સ્વરૂપ, એ પણ ત્રિગુણા રૂપ || 4 ||
જગનું સર્જન ને સંહાર, કરતા તુજને થાય ન વાર |
પાપીજન કોઈ શંકા કરે, લક્ષ ચોર્યાસી કાયમ ફરે || 5 ||
તારી શક્તિ કેરું માપ, જે કાઢે તે ખાય થાપ |
વળી અજન્મા કહાવો આપ, સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ || 6 ||
વારે વારે સંશય થાય, અક્કલ સૌની અટકી જાય |
તારી કાયા અદભુત થાય, કોણ કરે તારો સંગાથ || 7 ||
ભસ્મ શરીરે પારાવાર, અદભુત છે તારો શણગાર |
ફનીધર ફરતા ચારે કોર, વનચર કરતા શોરબકોર || 8 ||
નંદી ઉપર થાયે સવાર, ભૂતપ્રેતનું જબરો ચમત્કાર |
શિર પર વહેતી ગંગાધાર, ત્રીજું લોચન શોભે ભાલ || 9 ||
સરિતા સાગરમાહી સમાય, જગત તારામાં લીન થાય |
અસ્થિર જગ આ તો કહેવાય, તેમાં રહેતા સ્થિર સદાય || 10 ||
વાત વધી સમજણની બહાર, હૈયા કેરી થાયે હાર |
ગગન માંહે બ્રહ્મા જાય, વિષ્ણુ પાતાળે સંતાય || 11 ||
છતાં ન નીકળે શક્તિ માપ, એવી તારી અદભુત છાપ ||
ત્રિભુવનને પળમાં જીતનાર, તે પણ આવે તારે દ્વાર | 12 ||
રાવણ સ્તુતિ ખૂબ કરે, મસ્તક છેદી ચરણ ધરે |
આપ કૃપાથી મળિયું બળ, કૈલાસે અજમાંવી કળ || 13 ||
અંગુઠો દાબ્યો તત્કાળ, રાવણે પાડ્યો ચિત્કાર |
શરણે આવ્યો બાણાસુર, બળ કીધું તેને ભરપૂર || 14 ||
સાગર મથતા સુરાસુર, વિષ નીરખી ભાગ્યા દૂર |
આપે કીધું તે વિષપાન, નીલકંઠનું પામ્યા માન || 15 ||
ઊભું કરે તમ સામે તૂત, પળમાં થયો ભસ્મીભૂત |
વિશ્વ સકળનો તું છે સ્તુત્ય, ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય || 16 ||
પૃથ્વી તારો રથ કહેવાય, સૂર્ય શશી ચક્રે સહાય |
હરિ તમારું પૂજન કરે, સહસ્ત્ર કમળને શીશ પર ધરે || 17 ||
ચઢાવતા ખૂટયું છે એક, નયનકમળથી રાખી ટેક |
દીધું સુદર્શન ભાવ ધરી, સ્નેહથી સ્વીકારે શ્રીહરિ || 18 ||
યજ્ઞ કરી જે અર્પે ભાવ, તેના સાક્ષી આપ જ થાવ |
ફુલમદન આવ્યો વનમાંહ્ય, કામબાણ મારે છે ત્યાંય || 19 ||
બાળ્યો પળમાં કરવા નાશ, શરણાગતિ થઈ આવ્યો પાસ |
સ્મશાન માંહે કીધો વાસ, ભૂતપ્રેત નાચે ચોપાસ || 20 ||
અગ્નિ સૂર્ય ને પવન શશી, આપ રહ્યા છો વ્યાપક વસી |
ગગનધારા વારિ તમ રૂપ, કહાવો વિશ્વ સકળના ભૂપ || 21 ||
ૐકાર નિર્ગુણ છો આપ, સુર મુનિવર જપતા જાપ |
ચાર ખૂણા ને ચારે દિશ, વ્યાપક આપ વસો છો ઈશ || 22 ||
માર્કેન્ડેયને નાખ્યો પાસ, યમ તણો છોડાવ્યો પાસ |
ભોળા માટે ભોળા થાય, સંકટ સમયે કરતા સહાય || 23 ||
શરણાગતના સુધરે હાલ, સંપત્તિ આપી કરતા ન્યાલ |
ધરતી સારી કાગજ થાય, સમુદ્ર શાહી થઈ રેલાય || 24 ||
લેખન થાય બધી વનરાય, તો પણ શારદ અટકી જાય ||
પાર કહો શી રીતે પમાય, રામભક્ત થઈ ગુણલા ગાય || 25 ||
પાઠ કરે તે પુનિત થાય, જન્મમરણનું ચક્ર જાય ||
દોહરો:
પાઠ કરે જે પ્રેમથી, સદાય પ્રાતઃકાળ
રામભક્ત તેનો જગે, થાય ન વાંકો વાળ